(૪૮) મારી મા….

100000250542825_891297

 

 

 

 

દિવાલ ઉપર તસવીર બનીને ગોઠવાઈ ગયેલી ‘મા’ હવે નિઃશબ્દ છે,                                               સવાર સવારમાં એના ખાંસવાનો અવાજ હવે મને ઊંઘમાંથી જગાડતો નથી;                                 ને છતાંય મારી ઊંઘ હવે વહેલી ઊડી જાય છે?!

રસોડામાં વખત કવખતે થતો વાસણોનો અવાજ પણ હવે બંધ થઈ ગયો છે,
ને સાથે જ બંધ થઈ ગઈ છે મને પીરસાતી ભાવતી વાનગીઓ પણ ;
ગમે તેટલાં થાકોડા છતાંપણ જમાડતી વખતે નેહભરીને નિહાળતી એ આંખો હવે ક્યાં?

એના વ્યક્તિત્વના કેટકેટલાં પાસા, કેટકેટલાં રંગો ને કેટકેટલી છટાઓ !
દરેક એકમેકથી ભિન્ન ને છતાંય સંલગ્ન….!
હવે તો એજ યાદોને વાગોળ્યા કરવાની આ શેષ રહેલી જિંદગીભર.

બેસણામાં એક વડીલ ડોશી પ્રેમપૂર્વક કહી ગઈ હતી,
“તારી મા જિદ્દી, ખડ્ડુસ, વરણાગી ને શોખીન હતી;”
હવે દીવાલ પરની એ તસવીરને પૂછવાનું મન થાય છે, “હેં મા, ખરેખર?”

એના કમરામાં અગરબત્તીની સુવાસ મધ્યે જગજીતની ‘હે રામ’ ની વાગતી ધૂનમાં
એનો જવાબ મને નથી મળતો- નથી જ મળવાનો;
ને મને ખબર છે હું આમ જ એની નિઃશબ્દ તસવીરને પૂછતો રહેવાનો, પૂછતો રહેવાનો.

* તા. ૧૩-૦૯-૨૦૧૩ ને શુક્રવારના દુર્ગાષ્ટમીના પવિત્ર દિને મને છોડીને સદાયને માટે આધ્યશક્તિરૂપ પરમ તેજમાં વિલીન થઈ ગયેલ મારી ‘મા’ ને શબ્દાન્જલિ સ્વરૂપે…. ૐ શાંતિ: શાંતિ: શાંતિ: ….

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 11 Comments

(૪૭) સ્વગતોક્તિ…. (એક ગદ્યકાવ્ય)

નારંગીને તે કાંઈ આભા હોતી હશે ?
ને તે પણ વળી ક્રિસ્ટલ બાઉલમાં !!!!
યાદ છે તારા વદનની કાંતિ,
વહેલી સવારે ઊઘડતી કળી પર ખીલેલા
ઝાકળ જેવી.
ને હવે તું ચાનો કપ ધોતા ધોતા
કપાળ પરનો પરસેવો
કરમાયેલા વદને
ફાટેલા પાલવના છેડાથી લૂછતી
રસોડામાં યમુનાષ્ટક ગણગણતી હશે.
ઓણ ગરમી ખૂબ છે, ને
સાલો પંખો પણ આજ સીઝનમાં બગડે છે.
ઈલેક્ટ્રિશિયનને બતાવવો પડશે.
ને વળી પાછો ખર્ચો.
ખાંડ પણ લાવવાની છે હજુ તો.
નહીતર સવાર સવારમાં તારા હાથની મોળી ચા પીવાની મઝા નહીં આવે.
દીકરાએ મની ઓર્ડર હજુ સુધી કેમ નહીં કર્યો હોય?!

નોંધ: મિત્રો આ રચના મારા FB મિત્ર અને એક ઉમદા કવિ અને ગઝલકાર શ્રી ભરત ત્રિવેદીની એક રચના પરથી પ્રેરિત છે. આપ સૌ એ મૂળ રચના માણી શકો તે માટે અહીં તે એમના આભાર અને સ્નેહવંદન સાથે સામેલ કરી છે:-

“નારંગી –
ક્રિસ્ટલ બાઉલમાં
મૂકેલી નારંગીની આભા
કવિતા જેવી ઝગમગ ઝગમગ, પણ
તે વિષે લખેલી કવિતા
સાંજ સુધીમાં
તો કરમાતી જાય છે…”
– ભરત ત્રિવેદી.

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 4 Comments

(૪૬) સારું છે….!!!!

જીંદગી આવી રીતે જીવાય તો સારું છે,
નામ સતત તારું જ લેવાય તો સારું છે.
છે પ્રસંગોના ધણ હવે છૂટ્ટા અહીં,
મોત મારું પણ ઉજવાય તો સારું છે.
પ્રસંગ મારો ને મારી જ હાજરી નથી,
સમીકરણો સબંધના ઉકેલાય તો સારું છે.
ઉઠી ગયા ભ્રમણાંના પડદા હકીકતો પરથી,
નાટક ખરું હવે ભજવાય તો સારું છે.
સપના સજાવી ઊભો હું સંવેદનાના ચોકમાં,
ખરીદનાર મારો પણ મળી જાય તો સારું છે.
રાત દિન ગૂંજતા સન્નાટાના આ નગરમાં,
ગીત વખતના વખતે ગવાય તો સારું છે.
માંડી છે “રાજ” અભિવ્યક્તિની તકતી ફરી,
ગઝલ હવે છંદમાં લખાય તો સારું છે.

Posted in ગુજરાતી ગઝલ | 4 Comments

(૪૫) કવિતા (પ્રેમની)….!!!!

હું તને ચાહુ છું.
કારણ ?
પૂછને મારા હ્રદયને
તને નિરખતાં જ
જે
ઊછળવા લાગે છે
વેગથી,
આવેગથી,
બમણાં; તમણાં.

પૂછને મારી આંખોને
તને નિરખતાં જ
જેમાં
ઉતરી આવે છે
ભીનાશ
લાગણીની
આછી આછી,
ભીની ભીની.

લોકો કહે છે
હ્રદયથી આંખોને
સબંધ છે
સીધો.
પણ
આપણો સબંધ તો
પાસ પાસે
છતાંય
દૂર ના દૂર ?!

લે, ચાલને
હવે
તને જ પૂછું.
હું તને ચાહું છું,
કારણ ?
પણ ના,
તેં પણ
લખી છે કવિતા
આવી જ !
અરે, કદાચ આ જ
તારી કવિતા છે ને ?!
ને કદાચ એટલે જ,
હું તને ચાહું છું.

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 2 Comments

(૪૪) એક તો જણ મળે….

તને મળવાની કોઈ તો ક્ષણ મળે,
ભલે ને મળે એક; પણ તત્ક્ષણ મળે.
સપનાઓ પહેરીને ઊભો હું રાતભર,
વાસ્તવિકતાની થોડી સમજણ મળે.
પરાયા પારકા પ્રેમના પ્રકરણ બધાં,
ક્યારેક ક્યાંક તો સાચું સગપણ મળે.
સામનો સત્યનો સૌએ કરવો જ રહ્યો,
શક્ય છે ‘સ્વ’ ની અંદર જ દર્પણ મળે.
સુખના સમીકરણો છે નોખાં યારો,
હોય જળની આશા ત્યાં રણ મળે.
પ્રેમમાં એક દિ’ એવો પણ હો સનમ,
કે મારાં ઘર સામે તારું આંગણ મળે.
છે દાતાનો કેવો ચમત્કાર તે જુઓ,
કીડીને કણ મળે; હાથીને મણ મળે.
લટકે પગ કબરમાં ને લાલસા કેવી,
કે આ પણ મળે મને ને તે પણ મળે.
થઈશ ફના દેશને ખાતર હું સહર્ષ,
દરેક નવયુવાનું એવું તર્પણ મળે.
મળે છે ભીડ રોજ સમજણને સજાવી,
“રાજ”ને સમજે એવું એક તો જણ મળે.

Posted in ગુજરાતી ગઝલ | 1 Comment

(૪૩) જીંદગી….!


(૪૩-બ)
(ગાલગાગા ગાલગાગા ગાલગા)
સુખના સપને તરસતી જીંદગી,
આંખથી સૌની વરસતી જીંદગી.
ક્યાં લગી તાપુ વિરહની આગને,
એકલી સાથે સળગતી જીંદગી.
ઝૂઝતી ને છેવટે થાકી જતી,
હાંફતી જોને ભટકતી જીંદગી.
ઈશને હું શીદને માનું ભલા,
ઈશની આશે લટકતી જીંદગી.
આયખું તો “રાજ”નું વીતી જશે,
મોતને હરપળ તરસતી જીંદગી.”

(૪૩-અ) છંદમેળ વગરની ભાવરચના
સુખના ટુકડે તરસતી જીંદગી,
આપણી આંખથી વરસતી જીંદગી.
વિરહે આગમાં સળગવું કેટલું ?
એકલી સાથમાં સળગતી જીંદગી.
થાકતી છેવટે; ઝૂઝતી જેટલું,
હાંફતી ચાલતી ભટકતી જીંદગી.
વાસ્તવી વાટકે માંગતી એટલું,
શ્રાવણી આંખમાં સરકતી જીંદગી.
તુજથી મુજને; મુજથી તુજને,
પાંપણે પાંપણે તલસતી જીંદગી.
થાય છે ઈશને વીનવું શીદને ?
આશથી સાવ રે બટકતી જીંદગી.
હેતની હોડમાં ભાગતા આપણે,
ભીતરે આખરે ભાંગતી જીંદગી.
આયખુ વીતશે આખરે “રાજ”નું,
મોતને હરઘડી તલસતી જીંદગી.

Posted in ગુજરાતી ગઝલ | Leave a comment

(42) સપ્તપદી

ક્યારેક એમજ અનન્યમસ્ક
તાકી રહું છું મારી સામેની સૃષ્ટિને
ને મન ભટકવા નીકળી પડે છે,
યાદોનો જ્વાળામુખી ત્યારે ફરી ભડકી ઉઠે છે.
અગ્નિની સાક્ષીએ ફરેલાં ફેરાં ને “સપ્તપદી”,
યગયુગાંતરથી ચાલી આવતું “પવિત્ર” બંધન ધુમ્મસનાં દરિયામાં જાણે ઓગળી જાય છે.
મારા કાને મંત્રોચ્ચાર સંભળાય છે,
મોટ્ટેથી વધુ મોટ્ટેથી.
મારી ચારે બાજુ એ પડઘાય છે.
ને હું ઝનૂનપૂર્વક મારા કાન બંધ કરી દઉં છું.
મને ગૂંગળામણ થાય છે, અસહ્ય ગૂંગળામણ.
ત્યાં તો અચાનક મારી આંખોમાંથી ટપક, ટપકી પડે છે બે આંસુ;
અને થીજીને એ લાવા બની જાય છે.
અને હું
એમ જ અનન્યમસ્ક તાકી રહું છું
મારી સામેની સૃષ્ટિને.

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | Leave a comment

(41) હાજરી….

તારી હાજરી જરૂરી નથી,
યાદને તો મજબુરી નથી.
છો ભલેને જોજનો દૂર તું,
આપણી વચ્ચે દૂરી નથી.
થઈ રડી રડી કોરી ધાકોર,
અમસ્તી આંખો ભૂરી નથી.
જકડે જંજીરો જવાબદારીની,
બાકી બીજી મજબૂરી નથી.
કર્યો છે પ્રેમ ને નિભાવુ છું,
આ ગુનાને કોઈ શૂળી નથી.
તારાં સ્મરણનું જ તેજ ડંખે,
આમ જીંદગી અધૂરી નથી.
કોણે કહ્યું ગઝલ છે બેસ્વાદ,
ખાટી મીઠી કે એ તૂરી નથી.
આમ જુઓ તો છે અનરાધાર,
ને આમ લાગણી પૂરી નથી.
જીવે છે “રાજ” હજુય ક્રમશ,
મોત કને ધારદાર છૂરી નથી.

નોંધ: મિત્રો આ કૃતિની પ્રથમ બે પંક્તિઓ ફેઈસબુકનાં મારાં મિત્રવર્તુળમાં સામેલ ધ્રૃતિ અમીન રચિત છે તો એમનો આભારસહિત ત્રૃણસ્વીકાર.

Posted in ગુજરાતી ગઝલ | 5 Comments

(40) પણ ખરી….

રાત છે પડે પણ ખરી,
વાત છે વળે પણ ખરી.
પ્રેમની વ્યાખ્યા કદાચ,
ક્યાંકથી જડે પણ ખરી.
પ્રીત હોય તો બેફિકર,
માન્યતા ચળે પણ ખરી.
જીંદગી તો છે વણઝારી,
મોત થઈ મળે પણ ખરી.
એક મસીહાને થઈ શૂળી,
લાશ મારી જડે પણ ખરી.
ગઝલ છે બળે પણ ખરી,
રાખ થઈ મળે પણ ખરી.
નથી “રાજ” નમ્યો હજી,
ઘાત છે નડે પણ ખરી.

Posted in ગુજરાતી ગઝલ | 2 Comments

(39) એક વિજોગણનું વરસાદી ગીત

વેરણ આ વરસાદે વ્હાલ એવું વાવ્યું,
ને પછી કાંટો કોળ્યો એવો તે કેળ;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

છાપરેથી નેવે ને પાછલી પછીતે,
પછી વહેતું નસનસમાં કેવું તે ઘેન;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

ઉંબરે ઉભીને નિત નેજવે નિહાળું,
ત્યાં તો વાગે એવી આ રેલમછેલ;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

વેરણ તે વીજળી સબ સબ સબૂકે,
ને તૂટે કમખાની કસો મારી કવેળ;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

ગામને પાદર તે ઓલો મોરલો ગેહૂકે,
ને સીમમાં પોકારે વરણાગી ઢેલ;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

કાંબિયું ભરેલ હાથે મેંદીનાં થાપણાં,
ને હૈયે તે છલકે હેતભરી આ હેલ;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

ઓસરીથી મેડીએ ને મેડીએથી ઢોલિયે,
જંપે જરીયે ના જાગતલ આ નેણ;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

આવતાં જો નિરખું તો લાપસી ધરાવું,
કે માડી રાખજે તું મારું એક વેણ;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

વરણાગી વરસાદે વ્હાલ એવું વાવ્યું,
ને પછી કાંટો કોળ્યો કેવો તે કેળ;
કે સખી વ્હાલમનાં આવવાના કહેણ.

નોંધ: હજુ તો જેનાં હાથની મહેંદી પણ નથી ભૂંસાઈ એવી નવોઢાને વરસાદ વેરણ લાગે છે કારણકે એનો પિયુ પરદેશ છે. પિયુએ આવવાનું કહેણ તો મોકલાવ્યું છે પણ હજુ તેની પધરામણી થઈ નથી. વ્યાકુળ એવી નાયિકા રાત્રે ઉંઘી પણ નથી શકતી. વીજળીનાં સબાકા ને કામદેવનાં બાણ એને પરેશાન કરે છે. જો પિયુનાં દર્શન થાય તો માતાજીને લાપસી ધરાવવાની મનોકામના પણ એ વ્યક્ત કરે છે. વિરહવેદનાથી પીડાતી આ ગ્રામ્યનારીની વ્યથાને અહીં ગીતરૂપે રજુ કરવાનો પ્રયાસ મેં કર્યો છે.

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 2 Comments

(38) પડ્યું….

જણ એક છૂટું પડ્યું,
શહેર આખું વિખુટું પડ્યું.
કોશેટાથી આખરે સાવ,
પતંગિયું નોખું પડ્યું.
સબંધોના સૂકાયેલ ક્યારે,
આંસુનું એક ટીપું પડ્યું.
લંબાવેલાં લોહીનાં સોગંદ,
સગપણ ક્યાં ઓછું પડ્યું ?
અજંપો પહેરીને આખર,
ટાણું આજ ખોટું નડ્યું.
મર્યો “રાજ” ગઝલ ઓઢી,
મોત પણ ભોંઠું પડ્યું.

Posted in ગુજરાતી ગઝલ | 6 Comments

(37) છમાછમ….

પછી ઘૂંટ ગળેથી ઊતર્યો,
ને પેટમાં બધું છમાછમ.
પછી યાદે જ્વાળામુખી ફાટ્યો,
ને દિલમાં બધું છમાછમ.
પછી વિરહે બ્રહ્મનાદ વિસ્તર્યો,
ને આંખમાં બધું છમાછમ.
પછી શ્વાસે ફણીધર વિફર્યો,
ને શિશમાં બધું છમાછમ.
પછી માતમ માયૂસીનો વ્યાપ્યો,
ને અંતરમાં બધું છમાછમ.
પછી “રાજ” એવો તો લથડ્યો,
કે બધ્ધે બધું છમાછમ.

Posted in ગુજરાતી ગઝલ | Leave a comment

(36) સતત….

એક આંસુ આંખમાં તરતું રહ્યું સતત,
કૈક ઝાંખું મનને સ્પર્શતું રહ્યું સતત.
રાતભર ડરતું રહ્યું અંધારુ મુજથી,
કંઈક એવું ભીતર બળતું રહ્યું સતત.
એક ઈચ્છા સપનું બની ડસતી રહી,
કોઈ ફેણ પ્રસારી મળતું રહ્યું સતત.
એમ તો શ્વાસ કંઈ પડઘાય નહીં,
કોણ મને આમ શ્વસતું રહ્યું સતત.
ઓજસ બનીને ઝળકે છે જે અહીં,
ઝાકળ બની એ ડંખતુ રહ્યું સતત.
છૂટી શક્યતા બની બંદૂકની ગોળી,
ધારણા બની કોઈ ગમતું રહ્યું સતત.
વણબૂઝી પ્રેમની જુઓ પ્યાસ કેવી,
ઠામ જીંદગીનું ગળતું રહ્યું સતત.
પડઘે થયાં પછી પડછાયા લાંબા,
મૌન મારું મને છળતું રહ્યું સતત.
સાવ બુઠ્ઠી આ કિસ્મતની ધાર સંગ,
મોત પણ સહજ મળતું રહ્યું સતત.
આમ તો સાવ એવો ન’તો ‘રાજ’,
ઝેર નફરતનું ભળતું રહ્યું સતત.

નોંધ: મિત્રો, આ ગઝલની પહેલી બે પંક્તિઓ (મત્લા) ફેઈસબુકના મારા મિત્રવર્તુળમાં સામેલ હેતલ શાહના સ્ટેટસ પરથી લીધેલ છે તે માટે એમનો ઋણસ્વીકાર. 

Posted in ગુજરાતી ગઝલ | 16 Comments

(35) પ્રણયમાં આવે….!

સવાલ ઉઠે મુજ હ્રદયમાં જવાબ તુજ નયનમાં આવે,
અય ખુદા ક્યારેક તો એવો સમય પ્રણયમાં આવે.
મળે જો મોત તો સ્વીકારું આજ હસતાં મુખે,
શરત બસ એટલી સુવાસ તારી કફનમાં આવે.
સજીધજીને નીકળો રાતે તમે જો એકલાં,
હેસિયત શું ચાંદની કે એ ગગનમાં આવે.
તમે પ્રશ્ન એક પૂછી માંગો છો જવાબ હજાર,
તમારાં સિવાય ક્યાં કદી કોઈ મનનમાં આવે.
મજા આપણાં પ્રેમતણી તો એમાં છે ઓ સનમ,
કે વાત તારી જ મારાં સૌ પ્રકરણમાં આવે.
મજાલ શું એની કે ન આવે દોડતો ઉભાપગે,
કસક એનાં હેતની સતત જો રટણમાં આવે.
વાંઝણી વ્યથાને પહેરાવી વાઘા વરણાગી,
ગઝલ મારી હવે ખુદ અવતરણમાં આવે.
અભિવ્યક્તિ પ્રણયની હરદમ રહે છે કઠિન,
શરમ તમારી સદાયે જો આવરણમાં આવે.
ભવરણની પ્યાસ લઈ જુઓ ભટકે છે “રાજ”,
મૃગજળની આશ એટલે જ એનાં કવનમાં આવે.

Posted in ગુજરાતી ગઝલ | Leave a comment

(34) શબ્દો….!

શબ્દો સાથે રમત સારી નથી,
શબ્દોથી છટકાય એવી કારી નથી.
પાસપાસે છતાં કિનારા દૂરના દૂર,
અમથી જ આ નદી ખારી નથી.
દિલના અસહ્ય દર્દનો વિકલ્પ ક્યાં?
મૂંગા મરવા સિવાય આરી નથી.
પૂર્વગ્રહો પહેરીને ફરે છે અહીં બધા,
સબંધોના આ ઘરને બારી નથી.
લખી જે વેદના આ મેં ગઝલે,
એ બધી મારી છે, તારી નથી.
ટપ ટપ ટપકતું રક્ત આ સૂચવે,
અમૃત સાથે મને યારી નથી.
શબ્દો સાચવીને સપ્રમાણ વાપરો,
બીજી કોઈ મારી મગજમારી નથી.
અભાવોનો ભાર વેંઢારવો રહ્યો “રાજ”,
અમસ્તી આ જીંદગી ભારી નથી.

Posted in ગુજરાતી ગઝલ | 13 Comments

(33) એક્વેરિયમની માછલી….!

એક્વેરિયમની માછલી રડતી હશે?
આંખ પાણીથી શું એ ભરતી હશે?
ટગર ટગર તાકી રહી છે મને,
મનમાં મથામણ એ શું કરતી હશે?
પરપોટે પરપોટે પીગળતી હશે?
શેવાળે સંતાઈ સળવળતી હશે?
પ્રેમથી પિયુને પહેલાં પજવતી હશે?
છીપલાં પછીતે પછી એને મળતી હશે?
ક્યારેક ઝૂંડમાં એકલી જ ફરતી હશે?
તો ક્યારેક એકલી એકલી બળતી હશે?
પ્રેમ, વિરહવ્યથા એને નડતી હશે?
દિલનો દાબડો કોની કને ખોલતી હશે?
કાચની બંધ દિવાલો વચ્ચે “રાજ”,
મુક્તિ માટે ઈશ્વરને કરગરતી હશે?

મિત્રો એક તબીબ મિત્રને મળવા માટે એના વેઈટીંગ રૂમમાં બેઠો હતો ને ત્યાં રાખેલાં એક્વેરિયમમાં માછલીઓની સંગાથે સમય પસાર કરતાં આ પ્રશ્નો મારાં મનમાં ઉદભવ્યા જે તમારી સમક્ષ કાવ્યરૂપે રજુ કરું છું. આશા છે જવાબ મળશે.

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 8 Comments

(32) સૂરજમુખી….

રોજ રાત્રે
અંધકારમાં મને
રંગબેરંગી પતંગિયાઓનો
ભાસ થાય છે,
ને ડૂસ્કું ઓઢીને
હું સુઈ જાઉં છું;
સૂવાનો પ્રયત્ન કરું છું.
યાદ આવે છે
તારી હથેળી પર
સૂરજમુખી
ધરી દીધું’તું એક દિ ?!
અને તું ખડખડાટ હસી પડી’તી.
પણ મને, મને હસવું નથી આવતું.
અંધકારમાં સૂરજમુખીને શું થતું હશે હેં ????

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 4 Comments

(31) હાઈકુ-ગીત (વસંત આવી….)

હૃદયકુંજે,
કોયલડી ટહુકે;
વસંત આવી.

શ્વાસે શ્વાસમાં,
પ્રીતલડી મહેંકે;
વસંત આવી.

યાદોની ડાળે,
સજની રે ચહેકે;
વસંત આવી.

વિરહ પાળે,
મોરલિયા ગહેકે;
વસંત આવી.

નોંધ: મિત્રો આ રચનામાં મેં એક નવો પ્રયોગ કરવાની કોશિશ કરી છે. હાઈકુ એ જાપાની કાવ્યનો એક પ્રકાર છે જેમાં 5-7-5 નું પ્રમાણ જાળવવાનું હોય છે. એટલે કે પ્રથમ પંક્તિમાં પાંચ, બીજીમાં સાત અને છેલ્લી પંક્તિમાં પાંચ અક્ષર હોવા જોઈએ. અને ગીત એ ગુજરાતી કાવ્યનો એક પ્રકાર છે જેમાં પ્રાસ, છંદ અને એક સમાન વિષય (theme) નો ખ્યાલ રાખવાનો હોય છે. આ રચનાનું બંધારણ 5-7-5 નું એટલે કે હાઈકુનું છે અને એક સમાન વિષય (theme) વસંત છે. પ્રાસ અને છંદનો ખ્યાલ પણ રાખવામાં આવ્યો છે. અને એટલે મેં એનું નામાભિધાન હાઈકુ-ગીત એવું કર્યું છે. કદાચ આને ત્રિપદી ગઝલ પણ કહી શકાય. ખેર સાચું શું એ તો વિવેચકો જાણે તમતમારે વસંતગીત માણો.

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 10 Comments

(30) ….કેટલું ?

વિસ્તરેલી સાંજને સવારથી વછેટું કેટલું ?
વહેતી પળમાં વહે સમયનું ઘેટું કેટલું ?
સૂરજ ઢળ્યાની ભ્રમણાંમાં સાંજ ઢળતી,
વિરહની લાંબી રાતને મુજથી છેટું કેટલું ?
શમણાંઓ સળગાવી કરી અમે સવાર,
શમણે શમણું થાતાં સનમથી લેતું કેટલું ?
અંતરેથી નીતરે યાદનો આસવ સતત,
વેદનાના ઉપસંહારને હવે હું ભેટુ કેટલું ?
ચાસ ચાસે ઊગી નીકળ્યા ગુલમ્હોર “રાજ”,
ચોરેલા ચુંબનોને અધરોથી પછેટું કેટલું ?

Posted in ગુજરાતી ગઝલ | Leave a comment

(29) ….ઓછી પડી !

સંધ્યાના પાલવે જ્યાં સ્નેહની સુરાહી ઢળી,
છલકતાં નયનો સંગ નિશાની સવારી આવી ચડી.
સમયની પાટી પર મેં વેદનાની બારાખડી ઘડી,
સપનાઓની હરાજીમાં બોલી મારી ઓછી પડી.
સહેજ અમસ્તું નામ તારું મેં ગઝલે શું લખ્યું,
અફવાઓ ફૂલફટાક થઈ ગામવચાળે નીકળી પડી.
જીવનની પાનખરે બધાં શુષ્ક સબંધો ખર્યા,
નવલી સગાઈ લઈ ત્યારે વસંત આ સામી મળી.
આ નગરે એક માણસ “રાજ” હતો કામનો,
લાગણીઓના બજારે વગ એની ઓછી પડી.

Posted in ગુજરાતી ગઝલ | 2 Comments

(28) ….સરસ છે !

સુખની સતત તરસ છે,
જીંદગી આમ બાકી સરસ છે.
હસ્તરેખાઓ પણ શું કરે હવે,
દશા મંડાયેલી વરસોવરસ છે.
આભ આંબવાની અભિલાષા પણ,
પગે જવાબદારીઓની જણસ છે.
મૌન રહીને કરીશું ચર્ચા હવે,
સભાઓની ક્યાં અમારે શરત છે.
ભ્રમણાંઓથી છટકીને જશો ક્યાં,
આ જ નગરે વળવાનું પરત છે.
ગઝલરૂપે કોઈ ધબકે છે ભીતર,
કલમનું કાગળે સરવું યંત્રવત છે.
કપટથી રામને મોકલી વનવાસે,
ગાદીએ ચડી બેઠા જુઓ ભરત છે.
તારું તે મારું ને મારું મારા બાપનું,
ગણતરી તમારી જબરદસ્ત છે.
કહો એમને જે જુએ છે વાટ મરણની,
કે “રાજ” હજુ ઘણો તંદુરસ્ત છે.

Posted in ગુજરાતી ગઝલ | 2 Comments

(27) ખેલદિલી….

આ પાનખરને પણ શું કહેવું ?
બેલગામ એનું કેવું વિસ્તરવું !
પર્ણ કયું ક્યારે ખરશે,
કહો કેમ કરીને હવે કળવું ?
સુક્કાભઠ્ઠ જીવનના આ ખૂણે,
લાગણીનું તારી બેફામ વળવું.
તું છે-નહીંની વિસંવાદિતાથી,
આઠે પ્રહર કેવી રીતે બળવું ?
સપ્તપદીના ફેરા વગર પણ,
જોગ-સંજોગે જોને તારું હળવું !
પતંગાઓ જ જ્યાં ન આવે,
વ્યર્થ છે ત્યાં શમ્માનું બળવું,
જીંદગી દોસ્તો ફળે ન ફળે,
નકી જ છે અહીં મોતનું ફળવું.
ખેલદિલીથી સ્વીકારો કિસ્મતને,
ઈશ્વરને નાહક શીદ કરગરવું.
ગણી ગણીને સઘળું ભૂલવું,
ને ભૂલ્યા ત્યાંથી ફરી ગણવું.
એટલું આસાન નથી “રાજ”,
બાળસહજ વિસ્મયતાથી મળવું.

Posted in ગુજરાતી ગઝલ | 2 Comments

(26) ….છે મેં….!

રણની તરસ ઝાકળથી છીપાવી છે મેં,
જીંદગી આવી જ રીતે વીતાવી છે મેં.
સગપણોનાં ઉખાણાં ઉકેલતાં ઉકેલતાં,
રાત આખી સંઘાડે ઊતારી છે મેં.
આંખોથી છલકતી આ વેદનાઓને,
મ્હોં ફેરવી ફેરવીને છૂપાવી છે મેં.
તારાં ને મારાં સવાલરુપી સબંધને,
એકમાત્ર અફવા જ ગણાવી છે મેં.
ગઝલના ગા લ ગા ને ઉવેખીને,
મારી કહાણી ગઝલમાં લખાવી છે મેં.
એક જામ આપણી દોસ્તીને ધરીને,
બોટલ આખીયે ગટગટાવી છે મેં.
મદિરાલયમાં કંઈક આવી જ રીતે ,
પછી સાકીને કાયમ સતાવી છે મેં.
અરીસે પ્રતિબિંબ જોઈ રોજ થાય છે,
આ ઘરમાં કેટલી સદીઓ વિતાવી છે મેં.
વેદનાની ખરલે ઘૂંટીને સંવેદનાઓ,
કાગળ પર લાગણી ઊતારી છે મેં.
ભરબજારે માનવતા વેચાતી જોઈને,
ખોટા રૂપિયા જેમ જાત વટાવી છે મેં.
મઝધારે ડૂબાવીને મારી જ નૌકા,
કેટલાંયને નદી પાર કરાવી છે મેં.
મંઝિલ વગરનો હું મુસાફર છું “રાજ”,
પણ મંઝિલ ઘણાંને બતાવી છે મેં.

Posted in ગુજરાતી ગઝલ | 4 Comments

(25) ચાલને ચીતરીએ….

આ ચીતરીએ તે ચીતરીએ અમસ્તી પળોજણ ચીતરીએ,
સમયનાં કેનવાસ મથાળે ઘટનાઓનાં વ્રણ ચીતરીએ.
મ્રૃગજળ કેરાં મ્રૃગ પછવાડે સ્નેહનાં સગપણ ચીતરીએ,
લલાટની લકીરોની ભીતર સંજોગોનાં ધણ ચીતરીએ.
આ ચીતરીએ તે ચીતરીએ અમસ્તી પળોજણ ચીતરીએ.
સાંજ સવારે દિન દહાડે રેત પર વહેતી ક્ષણ ચીતરીએ,
ઝાકળભેગાં રંગ મિલાવી ફૂલો પર ફાગણ ચીતરીએ.
આ ચીતરીએ તે ચીતરીએ અમસ્તી પળોજણ ચીતરીએ.
કીડીને ભઈ કણ ચીતરીએ હાથીને પણ મણ ચીતરીએ,
વાર તહેવારે કાળ અકાળે થાતી સૌ ચણભણ ચીતરીએ.
આ ચીતરીએ તે ચીતરીએ અમસ્તી પળોજણ ચીતરીએ.
સમયનાં કેનવાસ મથાળે ઘટનાઓનાં વ્રણ ચીતરીએ.

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 3 Comments

(24) પરદેશી….

એક પરદેશી મારી પ્રીત ચોરી લઈ ગયો,
મેં તો આપ્યું’તું સ્મિત; એ ગીત ચોરી લઈ ગયો.
રહ્યાં મારે હવે ઝાંઝવાના જળ ને ઝાકળનાં રણ,
સાત સમંદર પાર એ સંગીત ચોરી લઈ ગયો.
એક પરદેશી મારી પ્રીત ચોરી લઈ ગયો,
મેં તો આપ્યું’તું સ્મિત; એ ગીત ચોરી લઈ ગયો.
રહ્યાં મારે હવે રાત ને દિન જાણે પાણી વિના મીન,
જ્યાં મળ્યું’તું મન એ મીત ચોરી લઈ ગયો.
એક પરદેશી મારી પ્રીત ચોરી લઈ ગયો,
મેં તો આપ્યું’તું સ્મિત; એ ગીત ચોરી લઈ ગયો.
રહ્યાં મારે હવે નેણ સંગાથે નીર જાણે ખૂંપેલું તીર,
મારી થઈ હાર ને એ જીત ચોરી લઈ ગયો.

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | Leave a comment

(23) પાનખર….

પીળું આ પર્ણ વ્રુક્ષથી ખર્યું,
એને શમણું પાનખરનું નડ્યું.
મ્રુગજળની છાલક એવી વાગી,
નદીનું ય અભિમાન ઊતર્યું.
પાંપણે પથરાયેલા અશ્રુ થકી,
વિરહનું આભ જોને વિસ્તર્યું.
વિરહની હવે તું વાત ન કર,
ઘેન તારા હેતનું એવું ચડ્યું.
શહેરના દીવાઓની ચમક લઈ,
પતંગિયુ જોને પાછું ફર્યું.
સાદગીભરી નજાકત ફગાવી,
અલ્લડ અદાઓનું રૂપ તેં ધર્યું.
“રાજ”ને કહો કે ગઝલ ગૂંથે,
રૂપ ચાંદનીનું કંઈ એવું ખીલ્યું.

Posted in ગુજરાતી ગઝલ | Leave a comment

(22) અંતિમ ઈચ્છા….

જીંદગી આવી રીતે જીવાય તોયે ઘણું છે,
આંખ શાંતિથી મીંચાય તોયે ઘણું છે.
જામ છે જીવનતણો સાવ ખાલી હવે,
બે બુંદ અધરો પર સચવાય તોયે ઘણું છે.
ઝેર તો ઘણાં પીધા છે મેં જાણી જાણી,
અમ્રૃત મુજથી જીરવાય તોયે ઘણું છે.
સંવેદનાઓ સઘળી મરી સ્વાર્થ સંગાથે,
ટુકડે ટુકડે ગઝલ લખાય તોયે ઘણું છે.
જીંદગીભર તરસતો રહ્યો “રાજ” એક ઘરને,
લાશ એની કફનમાં સચવાય તોયે ઘણું છે.

Posted in ગુજરાતી ગઝલ | 4 Comments

(21) પ્રણયગીત….

ક્ષણોની સંવાદિતા ત્યાગીને સદીઓના લીધા કાં અબોલા ?
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
ભીની છમ્મ લાગણીઓની મોસમ છે ને કેમ કરી રહેશો તમે કોરાં ?
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
કમખાની તૂટતી કસોના કારણમાં હણહણતાં કામનાના ઘોડા,
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
ભવોભવની પ્રીતના ભાતાં બાંધીને હવે ખાશો ના અધવચ્ચે પોરાં,
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
શરમના શેરડે સજાવેલી આંખોથી અળગા કરો મૂંઝવણના મ્હોરાં,
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
આયખાની અધૂરપ ઉરે ઝાલીને ઊર્મિના આંગણે પડાય ના મોડા,
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !
મનના મંદિરિયે માંડેલી મૂરતના શોભે ના સામૈયા આમ મોળા,
સખી તમે હળવેથી ઝંકારો થોડા થોડા !

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | Leave a comment

(20) મહેંદીના રંગ….

પ્રીતની કેડીએ પાંગરેલ પુષ્પો સલુણાં ઊતર્યા,
વાતોના વડાં કર્યા તમે ને કેમ ઊણાં ઊતર્યા ?
ઊર્મિઓના ઉંબરે અમે સ્નેહના સાથિયા પૂર્યા,
ને ચાંદનીની પાછળ ભાગતા પગે લુણાં ઊતર્યા.
સંવેદનાઓ કરમાઈ ગઈ સમયની સેજ પર,
હાથે ચીતરેલી મહેંદીના રંગ કેમ કુણાં ઊતર્યા ?!
સબંધોના સમીકરણ આવડ્યા નહીં “રાજ”,
સંજોગોની એરણે અમે સાવ નગુણાં ઊતર્યા.

Posted in ગુજરાતી ગઝલ | 5 Comments

(19) અફવા….

વાત દરિયાની કરી છલકાય છે,
નદી મનોમન તો સદા શરમાય છે.
મ્હોરવા લાગી છે આરત ભીતરે,
ઉર અમારું ત્યારથી તરડાય છે.
શું ભલા ‘ના’થી નકારો છો આપ,
ઘોષણા ‘હા’ની ચોમેર ગજવાય છે.
ચોતરફ છે જાદુઈ દર્પણ અહીં,
બિંબથી સરકીને ક્યાં છટકાય છે.
“રાજ” નહીં આવી શકે તો શું થશે?
એક અફવા આજથી ફેલાય છે.

Posted in ગુજરાતી ગઝલ | Leave a comment

(18) ગ્રૃહપ્રવેશ….

તને ખબર નહી હોય
પણ તું સુઈ જાય છે ત્યારે
હું ચુપકેથી તારી પાંપણો નીચે
સરકી જાઉં છું….!
પછી આંખોમાંથી હળવેકથી
તારાં હ્રદયમાં પ્રવેશી જાઉં છું….!
બહારની કોલાહલ ભરેલી
મુક્ત દુનિયા કરતાં
તારાં હ્રદયની
બંધ દિવાલોમાં જીવવું
મને વધારે પસંદ છે….!?

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 2 Comments

(17) ચાતક….

વરસાદમાં ભીંજાયેલા
ચાતકે
મને પ્રશ્ન કર્યો
“તું કેમ વગર પલળ્યે
ભીંજાયેલો ભીંજાયેલો છે?”
મેં તને યાદ કરી
ને હું હસી પડ્યો
મારી આંખોમાં
તારી યાદના વાદળો ઘેરાયેલાં જોઈને
ચાતક ફરી વરસાદમાં ભીંજાવા ઊડી ગયો….!

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 1 Comment

(16) તાંતણો….

તમારી કલ્પનાની સંગ
કરોળિયાને પાંખો ફૂટી ને
ઊડવાનો યત્ન આદર્યૉ….
પણ….
ભોંયે પટકાયો….!?
હવે તો
કરોળિયાની પાસે
ચઢતા જાળ કરોળિયા જેવો
આશાનો
તાંતણો પણ નથી બચ્યો….!?

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | Leave a comment

(15) આંખો….

ખુદનું જ અસ્તિત્વ નકારતી
આ આંખો.
સ્વને છોડી સ્વજનને અપનાવવા મથતી
આ આંખો.
ગુલાબી સપને મઢી, સંધ્યારાણીના પાલવ સમી
આ આંખો.
નજરોનાં તીરથી દિલના ઉંડાણે ઘાવ કરતી
આ આંખો.
મૌનની લિપિને નજરોની ભાષાથી ઉકેલતી
આ આંખો.
સ્નેહની સેરમાં શરમના મોતી પરોવતી
આ આંખો.

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | Leave a comment

(14) પ્રાર્થના….

પાંપણો પર
એક નાનકડું સપનુ સજાવી
રોજ તને શીશ નમાવું છું….
દ્રૌપદીના અનંત ચીરની જેમ
મારાં શમણાંમાં પણ
રંગ પૂરી દે ભગવન.
હ્રદયકેરાં ઉંબરે
ટમટમતો એક દીપ જલાવી
રોજ તને શીશ નમાવું છું….
સુદામાના તાંદુલની તકદીરની જેમ
મારું સોણલું પણ
સાર્થક કરી દે ભગવન.

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 2 Comments

(13) શક્યતા….

તમારી યાદની અધૂરપ દિવસે સતાવતી રહી,
ને પછી રાતભર નીંદર અમને જગાડતી રહી.
હકીકત ક્યાંકથી ઊઠાવી લાવી સપનું પરાયું,
ને પછી ધારણા બિચારી મનને મનાવતી રહી.
લાગણીના અગાધ દરિયે અમે તો બાંધ્યો બંધ,
ને તમારી હેતની હેલી ઘોડાપૂર રેલાવતી રહી.
તમે રૂપના છો રાણી આછા આછા ઘાયલ,
એ શક્યતા જ “રાજ” ને ગભરાવતી રહી.

Posted in ગુજરાતી ગઝલ | 3 Comments

(12) મોરપિચ્છ….

આયખાના ખાલીપામાં
તરતા હળવા પીંછા જેવું મારું મન
તારી યાદના પવન ઝપાટાથી
અહીં તહીં ફંગોળાય છે;
ને મને
ભગવાન શ્રી ક્રૃષ્ણના મસ્તકે
શોભતાં મોરપિચ્છમાં ચીતરાયેલું
રાધાનું નામ યાદ આવી જાય છે.
તારા ઊરમાં મારું નામ ક્યારે ચીતરાશે?
એ તો ભગવાન શ્રી ક્રૃષ્ણ જ જાણે….!

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 3 Comments

(11) સ્વપ્ન….

એક નાનકડું નાજુક સ્વપ્ન
મારી પાંપણો મહીં
અટકી રહ્યું છે.
પાંપણ ખોલું તો ઊડી જશે,
પાંપણ ઝબકાવું તો ખરી પડશે;
હવે તું જ કહે મને
કે હું શું કરું ?

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 2 Comments

(10) એક દુઃસ્વપ્ન….

મારો ચહેરો ભીંત પર લટકાવીને
જ્યારે હૂં એને જ તાક્યા કરું છું ત્યારે,
રોજ સાંજે આથમતા અજવાળે
ઓરડો આખો ખાલીપાથી ભરાઈ જાય છે.
અને પીંછા જેવો હળવો થઈને હું
ભીંતે લટકતા મારા જ ચહેરાને
તાક્યા કરું છું, બસ તાક્યા જ કરું છું.
ક્યાંક કોઈ યાદ, કોઈ ફરિયાદ;
ને અચાનક ઊમટી આવે છે સંવેદનાના ઘોડાપૂર….
હું-હું તણાયે જાઉં છું દૂર…. દૂર……..
મારી આસપાસ ફરી વળે છે
લાચારી, હતાશા, નિરાશા.
હું ચીસો પાડુ છું, પાડ્યા જ કરું છું,
પણ કોઈ સાંભળતું નથી.
અને ત્યારે જ….બરાબર ત્યારે જ,
ભીંત પર લટકતો પેલો મારો જ ચહેરો
નિષ્ઠુરતાથી, ઊપહાસભર્યુ ખડખડાટ હસી પડે છે.

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 2 Comments

(9) ચમત્કાર….

લાગણીઓની મોસમ ખીલશે પૂરબહાર,
કાફી છે બસ તારાં નેણનો એક અણસાર.
વેદનાના સીમાડાઓ હવે વિસ્તરી જશે,
ને પછી પાનખર મચાવશે હાહાકાર.
મન મહીં ખીલેલી આ પોયણીને શું કહું ?
પ્રણય છે કે પ્રણયનો બસ આકાર ?
તારું મળવું ને પછી આપણું હળવું,
છે સંજોગ કે પછી કુદરતનો ચમત્કાર ?!

Posted in ગુજરાતી ગઝલ | 4 Comments

(8) અસ્તિત્વ….

તું હોય કે ન હોય કશો ફરક પડતો નથી,
દરેક મોસમમાં કંઈ બરફ પડતો નથી.
તારા હોવા અને નહીં હોવાપણા વચ્ચે મારૂં અસ્તિત્વ અટવાયેલું છે;
વેદનાના એ વિસ્તરતા રણ મહીં મૂંગી ચીસોનો હરફ જડતો નથી.
તું હોય કે ન હોય કશો ફરક પડતો નથી,
દરેક મોસમમાં કંઈ બરફ પડતો નથી.
અડધી એકરારમાં વેડફી ને અડધી તારા ઈંતજારમાં
હવે જીંદગી ક્યાં શેષ બાકી છે ?
નીકળેલો હરેક શ્વાસ કંઈ પરત વળતો નથી.
તું હોય કે ન હોય કશો ફરક પડતો નથી,
દરેક મોસમમાં કંઈ બરફ પડતો નથી.

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 2 Comments

(7) હાથિયો થોર….

મારી બારી પાસે
રાતરાણીની
એક નાજુક અને નમણી
કૂંપળ
મારા ક્ષણભંગુર
શમણાંની જેમ
ઊગુ ઊગુ થઈ રહી હતી….
ત્યાં તો તમારાંજ
કોમળ પગલાંએ
એને કચડી નાખી….
ને હવે
શમણાંમાં મને
હાથિયો થોર પણ
નથી દેખાતો !?

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | Leave a comment

(6) ઝીણકી તારલીની કવિતા….

મિત્રો આ રચના ઘણાં સમય પહેલાં મારી લાડકી દીકરી શ્રુતિ માટે રચાઈ હતી. મારી એ ઝીણકી તારલી આજે તો વીજળી બની ગઈ છે અને એનાં સપનાનાં રાજકુમાર (એનાં પતિ) સાથે જલસા કરે છે. આજ એનાં જન્મદિવસે (સપ્ટેમ્બર 10) અને “અભિવ્યક્તિ” નાં પ્રકાશનદિને એને જ અર્પણ કરું છું. જન્મદિન મુબારક “છુટકન.”

એક ઝીણકી તારલી
મારા શ્યામ વ્યોમમાં ચમકી હતી,
હવે ઝીણકી તારલી વીજળી બની ગઈ છે !
કોક દી એના સપનાનો રાજકુમાર આવશે
મેઘના અશ્વો પર સવાર
ને મારી ઝીણકી તારલીને
ના ના એની વીજળીને લઈ જશે….
ત્યારે મારા વ્યોમમાં
શ્યામ વાદળો સિવાય કશું નહી રહે….
પણ ફરી એક બીજી ઝીણકી તારલી
ચમકશે વીજ સંગ !!
ને ત્યારે મારું શ્યામ વ્યોમ થશે
ઝળાંહળાં – ઝળાંહળાં….!!!

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | Leave a comment

(૫) ચમેલી….અને પાંખડી….!

(૫-બ)
પાંખડી….!
(ગાલગાગા ગાલગાગા ગાલગા)
પરબિડિયે લાગણી બીડી હતી,
પત્ર સાથે પાંખડી પીળી હતી.
છો ખૂટયા આંખોતણાં આંસુ બધાં,
અંતરે તો હેતની હેલી હતી.
દેહનું ભુવન ભલેને ખળભળે,
શેષને તો શીશ ક્યાં ખીલી હતી ?
જીંદગીના દાખલે જે ના વધી,
સાવ ખોટી જ્યાં રકમ મેલી હતી.
સૌ જનાજે “રાજ”ના મ્હેંકી ઉઠ્યા,
કે કફનમાં પાંદડી લીલી હતી.

(૫-અ) છંદમેળ વગરની ભાવરચના
ચમેલી….!
પરબિડિયે લાગણી બીડી હતી,
પત્ર સાથે પાંખડી પીળી હતી.
આંખના અનરાધાર ખૂટી પડ્યા,
અંતરે તો હેતની હેલી હતી.
દેહનું ભુવન છોને ખળભળે,
શેષને શીશ ક્યાં ખીલી હતી ?
જીન્દગીના દાખલે ના શેષ વધી,
રકમ જ જ્યાં ખોટી મેલી હતી !
“રાજ” ના જનાજે સૌ મ્હેંકી ઊઠ્યા,
છાતીએ ચોપડેલ ચમેલી હતી.

Posted in ગુજરાતી ગઝલ | Leave a comment

(4) શમણાં કેરું ગીત….

નેણ તમારાં તમથીએ બોલકાં રે ગોરી,
છાની ના રાખે વાત નાની અમથીએ ગોરી.
સામા મળે શરમાવ ને નીરખો ચોરીછૂપે ગોરી,
પ્રીતની આ રીત ન સહેવાય “અમ”થી રે ગોરી.
કદી મળો એકાંતે તો દઃખ દલડાંના કહીએ ગોરી,
શમણાં કેરાં ગીત કાનમાં ગણગણીએ ગોરી.

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | Leave a comment

(3) સપનુ (વહેલી સવારનું)….?!

વહેલી સવારે
મારા દરવાજે પડ્યા ટકોરા…
લાગ્યું કે તું જ હોઈશ !
ઝટ દઈને દોડતાંક ને
દરવાજો ખોલ્યો… તો…
કોઈ નહોતું….. કોઈ જ નહીં !!
પણ તારી સુગંધનો દરિયો
ક્ષણવારમાં ઘૂઘવતાં પૂરરૂપે
મારાં સમગ્ર અસ્તિત્વનાં
જરીપુરાણા માળખાંને
હ્ચમચાવી ગયો !!!
આંખો ખૂલી ને જોયું તો..
મારી એકલતાનો તડકો
માથોડા જેટલો ઊંચે
ચઢી ગયો’તો !
સપનું હશે કદાચ…!
કદાચ સપનું જ હતું… !?!

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | 1 Comment

(2) કર્મણ્યે વાધિકારસ્તે….

દુર્દશાનો ભાર લઈ ફર્યા કરું છું,
અંતરેથી અમથો નિતર્યા કરું છું.
આગળ વહેતી જાય જીન્દગી,
પાછળ સમયવત સર્યા કરું છું.
સૂરા છે ઓછી ને ગળતું જામ છે,
બેઉ હાથે ઊલેચીને ભર્યા કરું છું.
જ્યારથી દીધો છે તે ઊનાળો,
ગુલમહોરસો મહોર્યા કરું છું.
“કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન”,
સપનાઓની ભિક્ષા વહોર્યા કરું છું.

Posted in ગુજરાતી ગઝલ | Leave a comment

(1) સૂર્યોદય….

સૂર્યના પહેલા કિરણ જેવું
તારું આગમન
મારા વિખરાયેલા અસ્તવ્યસ્ત
વ્યક્તિત્વને
પ્રેમના પ્રકાશથી
ઝળાંહળાં કરી દે છે…
અને રોજ રાતે
હું એજ અમર આશા લઈ
નિદ્રાને આધીન થઈ જાઉં છું
કે કાલે સવારે ફરી પાછો
સૂર્યોદય થશેજ !!!

Posted in ગજરાતી કાવ્ય/ગીત/મુક્તક | Leave a comment